કૃષિ મહોત્સવ-૨૦૧૯
રાજયવ્યાપી કૃષિ મહોત્સવનો શુભારંભ આગામી ૧૬મી જૂને અધિક મુખ્ય સચિવશ્રી સંજય પ્રસાદ દ્વારા
કરવામાં આવશે
**********************************
બે દિવસ યોજાનાર કૃષિ મહોત્સવમાં તમામ તાલુકાદીઠ એક કાર્યક્રમ યોજાશે.
કૃષિ મહોત્સવ દરમ્યાન વૈજ્ઞાનિક ખેત પધ્ધતિ જળસંચય, યાંત્રીકીકરણ, પાકોનું મૂલ્યવર્ધન, પ્રધાનમંત્રી ફસલ બિમા-સિંચાઈ યોજના પ્રધાનમંત્રી સન્માન યોજનાના વિષયો આવરી લેવાશે.
પશુ આરોગ્ય મેળા અને આદર્શ પશુપાલન અંગે માર્ગદર્શન અપાશે.
**********************************
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સંજય પ્રસાદે જણાવ્યુ છે કે, ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર કરવા માટે અને આધુનિક ખેત પધ્ધતિથી ખેતી કરવા માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરવા માટે વૈજ્ઞાનિક ઢબે માર્ગદર્શન આપવા પ્રતિવર્ષ રાજયભરમાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આગામી ૧૬મી જૂન-૨૦૧૯ થી બે દિવસ માટે રાજયવ્યાપી કૃષિ મહોત્સવનો શુભારભ થશે.
શ્રી પ્રસાદે ઉમેર્યુ કે આ વર્ષે કૃષિ મહોત્સવ તારીખ-૧૬-૧૭ જુન-૨૦૧૯ એમ બે દિવસ દરમિયાન યોજાશે. રાજયના ૩૩ જિલ્લાઓમાં તાલુકા દીઠ એક સ્થળે એટલે કે ૨૪૮ સ્થળે કાર્યક્રમો યોજાશે જેમાં એક દિવસીય સેમિનાર અને પ્રદર્શન નું આયોજન કરાશે તેમ જ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોનું આદાન-પ્રદાન, કિસાનગોષ્ઠી તથા કૃષિ અને પશુપાલન, બાગાયત વિષયના તજજ્ઞો ધ્વારા સંબંધિત વિષયોને લગતા માર્ગદર્શન આપવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે , ચાલુ વર્ષે યોજાનાર આ કૃષિ મહોત્સવમાં કૃષિ માટે આધુનિક કૃષિ યાંત્રીકીકરણ, જળસંચય અને જળસિંચન થકી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, કૃષિ યાંત્રીકીકરણ થકી ઓછા ખર્ચે સમયસર ખેતી કાર્યો સંકલિત પોષણ વ્યવસ્થા થકી જમીનની તંદુરસ્ત જાળવણી કૃષિ અને બાગાયતી પાકો ની ઉત્પાદકતા વધારી તેનું મુલ્યવર્ધન, સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ, ખેતીકાર્યોમાં ઘટાડા સાથે ઉત્પાદનમાં વધારો, પ્રધાનમંત્રી ફસલબિમા યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજના સહિત રાજય સરકારની વિવિધ સહાય યોજનાઓ સંદર્ભે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવશે.
તેમણે કહ્યું કે, કૃષિ મહોત્સવની સાથે સાથે પશુપાલન ક્ષેત્રે પણ કૃષિકારોને માર્ગદર્શન મળે તે આશયથી આદર્શ પશુપાલન અંગે વિસ્તૃત જાણકારી અપાશે. પશુ યોજના જટિલ ગંભીર રોગની સ્થળ પર તપાસ સારવાર આપવા માટે રાજ્ય વ્યાપી પશુ આરોગ્ય મેળાઓનું પણ આયોજન કરવામાં આવનાર છે જેમાં પશુપાલકોને બહુધા પ્રમાણમાં લાભ લેવા પણ રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.
શ્રી સંજય પ્રસાદે ઉમેર્યુ કે રાજયભરમાં વર્ષ ૨૦૦૫થી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજયના ખેડૂતોને આધુનિક કૃષિ તરફ પ્રેરિત કરવા શરુ કરાયેલ. આ કૃષિ મહોત્સવની ૧૫મી કડીના આયોજન માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ ધ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. રાજયવ્યાપી કૃષિ મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાશે અને મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે તો ખેડૂતોને કૃષિ મહોત્સવમાં સદભાગી થવા પણ અનુરોધ કરાયો છે.
આવી બીજી માહિતી મેળવવા માટે નીચેની લિન્ક પરથી એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.agrimedia&hl=en
અમારી ચેનલ સબ્સસ્ક્રાઈબ કરો